Nav Karsho Koi Shok | નવ કરશો કોઈ શોક – by Veer Kavi Narmad
નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક. – ટેક
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. – રસિકડાં
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. – રસિકડાં
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. – રસિકડાં
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. – રસિકડાં
હતો દુખિયો થયો સુખિયો, સમજ્યો છૂટ્યો રણથી. – રસિકડાં
મૂઓ હું તમો પણ વળી મરશો, મુક્ત થશો જગતમથી. – રસિકડાં
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. – રસિકડાં
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. – રસિકડાં
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. – રસિકડાં
મરણ પ્રેમીને ખચીત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. – રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો, દઢ રહેજો હિંમતથી. – રસિકડાં
મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ. લતથી. – રસિકડાં
– વીર કવિ નર્મદ