Akha Na Chhappa | અખાના છપ્પા by Akho Bhagat
તિલક કરતાં ત્રેપન, થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોયે ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન. આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઊતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
દેહાભિમાન હુતો પાશેર તે વિદ્યા ભણતાં વાધ્યો શેર.
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
આંધળો સસરો ને સણંગટ વહુ : કથા સાંભળવા ચાલ્યાં સહુ,
કહ્યું કાંઈ ને સાંભળ્યું કશું : આંખનું કાજળ ગાલે ઘસ્ટયું,
ઊંડો કૂવો ને ફાટી બોખ : શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
ઓછું પાત્ર ને અદકું ભણ્યો : વઢકણી વહુએ દીકરો જણ્યો,
મારકણો સાંઢ ને ચોમાસું માલ્યો : કરડકણા કૂતરાને હડકવા હલ્યો,
મર્કટ ને વળી મદિરા પીએ : અખા! એથી સૌ કોઈ બીએ!
– અખો ભગત