Chhappa (Chopai) | છપ્પા (ચોપાઈ) – by Shamal
વાડ થઈને ચિભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે?
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જંન. ૧
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર ન પેદા થાય;
નવાણ પીતું હોયે નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર. ૨
મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ;
રાજા થઈને લૂટી લેય, પ્રજા કોણ આગળ જઈ કહેય. ૩
રામ જપંતા નર્કે જશે, કહો કલ્યાણ જ કોનું થશે;
પિતા પુત્રીશું રમશે જાર, તે વાતનો કો પ્રીછે પાર. ૪
ગંગા નહાતાં પાપી થશે, વેદવચન કેમ સાચાં હશે;
વાહાર ત્યાંથી આવે ધાડ, તો પછી ક્યાંની કરશું આડ. પ
મેઘ વરસંતા પથ્થર પડે, તેનો વાંક કોને શિર ચડે;
ધણીને વિખ દે ઘરની નાર, કોણ સાચવે તેણે ઠાર. ૬
પુષ્પહાર થઈ વળગે સાપ, ત્યાં તે કોણ જાળવશે આપ;
અમૃત જાણી આપે પીજીએ, વિખ થાય દોષ કોને દીજીએ. ૭
કુંડળ કરડી ખાએ. કાન, કોણ આગળ. જઈ કરિયે જાણ;
ચંદન જાણી ધરીએ આપ, થાય અગ્નિ તો પુરણ પાપ. ૮
– શામળ